નવરાશ

આંખો માં આકાશ લઈને બેઠો છું હું,

કેવળ તારી પ્યાસ લઈને બેઠો છું હું,

ને તું તારી મરજીથી એકવાર મળવા આવી જજે ને,

જીવનભર નવરાશ લઈને બેઠો છું હું.

  • ચંદ્રેશ મકવાણા

ગરીબ ની ડાયરી…!! નામના એક ઓનલાઈન બ્લોગ પર પહેલી જુલાઈ ૨૦૧૮ ના રોજ પ્રકાશિત થયેલ ‘જીવનભર નવરાશ લઈને બેઠો છું હું’ નામની આ સુંદર કવિતા વાંચી. ખુબ જ સુંદર રીતે લખાયેલી આ કવિતા.

 

જીવનમાં નવરાશ કોને ના ગમે?  રોજબરોજ ના કામ કરતા કરતા ક્યારેક તો આ વિચાર ઝબકી આવે કે સહેજ નવરા પડે તો શાંતિ.!  પણ કહેવાયને કે દુનિયામાં બે પ્રકારના વ્યક્તિઓ હોય છે એવું વર્ગીકરણ કર્યાં વગર તો વાત ચાલે તેમ જ નથી.  એટલે બે પ્રકારના લોકોમાંથી એક એવા લોકો જેમની પાસે નવરા પડવાનો કે ફુરસદથી બેસવાનો સમય નથી અને બીજા એવા કે જેમની પાસે જે છે તે માત્ર સમય છે.  પહેલા પ્રકારના લોકોને જો સહેજ નવરાશ મળે તો રાજીના રેડ થઇ જાય પણ નવરાશની પળોને માણવી, તેને પસાર કરવી તેટલી જ મહત્વની વાત છે.

 

આપણને બધાને આવો અહેસાસ તો થયો જ હશે કે રવિવારે ઘડિયાળના કાંટાઓ વચ્ચે કોઈ રેસ લાગી હોય એવી રીતે ફરતા હોય છે.  અને બાકીના દિવસે ગોકળગાય ની માફક ધીમે ધીમે ફરે છે.  માત્ર ૨૧ ડીસેમ્બરનો દિવસ જ નહિ પણ વર્ષ ના તમામ રવિવારે દિવસ ટૂંકો હોય એવું લાગે છે.  (જેમને રવિવારે રજા-HOLIDAY મળતી હોય. બાકીનાઓને જયારે રજા-Holiday હોય ત્યારનો દિવસ.)   પણ આ બધાની પૂર્વશરત મુજબ તમે પહેલા પ્રકારના વ્યક્તિઓમાં આવવા જોઈએ જે બાકીના દિવસે કામોમાં ડૂબેલા હોય છે.  બાકીતો જે બીજા પ્રકારમાં આવતા હોય એમના મન તો બધા દિવસ સરખા.  સ્થિતપ્રજ્ઞની જેમ ન તો એ સોમવારને ધિક્કારે છે ન તો રવિવારને આવકારે છે. આ વાત છે આ લોકોની. નવરાશની.  (ખાસ નવા નવા Engineer બનેલા, કોલેજમાંથી નોકરી ન મળેલા, CANADA કે અન્ય કોઈ દેશમાં આગળ ભણવાના બહાને કમાવા ન જવાવાળા, અને સરકારી નોકરી માટેની પરીક્ષાની તૈયારી કરવાંવાળા )

 

બધા જ પ્રયાસો કરી નાખ્યા હવે ધીરજ અને ઓળખાણના પ્રતાપે આ લોકો બીજા પ્રકારના લોકોમાંથી કહેવાતા વ્યસ્ત પહેલા પ્રકારના લોકો બનવા મથી રહ્યા છે.  ધીરજ અને અનંત આશા સાથે આ લોકો નવરાશની પળો જીવી રહ્યા છે.  રોજ રોજ જોવા મળતા ઓનલાઈન જોક્સ જે આમના ધીરજની પરીક્ષા લેતા હોય તેવા બની પડ્યા છે.  સમાજ તરફથી પુછાતી ખબરઅંતરોની પાછળ રહેલો નિસાસો પણ ખબર પડી રહી છે.  તેમ છતાં પોતાની જ હાલત પર બધાના હસતા મોઢા આ નવરાશનો અંત જોવા આતુર હોય છે.

 

આ નવરાશ આશીર્વાદ અને અભિશાપ એમ બંને થઇ પડી છે.

 

જેઓ આ નવરાશના કાળમાં જીવી રહ્યા છે એ બધા પોત પોતાના ધ્યેયને અનુલક્ષી ફરી એકવાર આ સુંદર કવિતા માણી લે.

 

 

આંખો માં આકાશ લઈને બેઠો છું હું,

કેવળ તારી પ્યાસ લઈને બેઠો છું હું,

ને તું તારી મરજીથી એકવાર મળવા આવી જજે ને,

જીવનભર નવરાશ લઈને બેઠો છું હું.

 

 

આપણી આ નવરાશ જીવનભર નહિ ટકે એ ખાતરી છે. અને જે કહેવાતા વ્યસ્ત છે તેમને ભગવાન કદીયે સાવ નવરા ના પડે એવા આશિષ.

Leave a Reply